ગુજરાતના ખેડૂતોની સરકારે ચમકાવી કિસ્મત!આ ફળપાકો વાવશો તો આપશે આટલા રૂપિયા સહાય

ગુજરાતના ખેડૂતોની સરકારે ચમકાવી કિસ્મત:દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ધાર કર્યો છે. ગુજરાતના ખેડૂતોની આવકમાં પણ વધારો થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના ખેડૂતો ખેતીની પરંપરાગત પદ્ધતિ ઉપરાંત વૈજ્ઞાનિક અભિગમ સાથેની આધુનિક પદ્ધતિ અપનાવીને વધુ આવક મેળવી શકે તે માટે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા વધુ એક નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે.

બાગાયત ખાતા દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજના અંગે માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ફળપાકોના એકમ વિસ્તારમાં મહત્તમ ફળઝાડના વાવેતર થકી ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી શકે છે. રાજ્યના ખેડૂતો ક્રોપ ડાઇવર્સીફીકેશન કરી આંબા અને જામફળ સહિતના ફળપાકમાં ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ તેમજ કેળ પાકમાં ટીસ્યુકલ્ચર ટેકનોલોજી અપનાવી પોતાની આવકમાં વધારો કરી કરી શકે છે. રાજ્યના ખેડૂતો બાગાયતી પાકોમાં ફળપાકોનું ગુણવત્તાયુક્ત કલમો અને રોપાથી વાવેતર કરતા થાય તે માટે જ રાજ્ય સરકારે વધુ એક પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે. આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં રૂ. 4500 લાખ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.

મંત્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, આ નવી યોજના હેઠળ ખેડૂતોને આંબા પાકના વાવેતરમાં કલમ દીઠ મહત્તમ રૂ. 100 અથવા પ્રતિ કલમ ખરેખર થયેલ ખર્ચ બંનેમાંથી જે ઓછું હોય તેને ધ્યાને લઇ મહત્તમ રૂ. 40,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ વર્ષે આંતર પાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાન્ટિંગ મટીરીયલના ખર્ચના 50 ટકા લેખે મહત્તમ રૂ. 10,000 પ્રતિ હેકટર સહાય ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, જામફળ પાકમાં કલમ કે ટીસ્યુ રોપા દીઠ મહત્તમ રૂ. 80 અથવા પ્રતિ કલમ/ટીસ્યુ રોપા દીઠ ખરેખર થયેલ ખર્ચ બંનેમાંથી જે ઓછું હોય તેને ધ્યાને લઇ મહત્તમ રૂ. 44,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. પ્રથમ વર્ષે આંતર પાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાન્ટિંગ મટીરીયલના ખર્ચના 50 ટકા લેખે મહત્તમ રૂ. 6,000 પ્રતિ હેકટર સહાય ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. આવી જ રીતે કેળપાકમાં પણ ટીસ્યુકલ્ચર રોપા દીઠ મહત્તમ રૂ.5 સહાય ધ્યાને લઇ મહત્તમ રૂ. 15,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ યોજના થકી ગુજરાતમાં આંબા પાકનો વાવેતર વિસ્તાર 2500 હેકટર, જામફળ પાકનો વાવેતર વિસ્તાર 2000 હેકટર તથા કેળ પાકનો વાવેતર વિસ્તાર 15,000 હેક્ટર વિસ્તાર મળી રાજ્યમાં બાગાયતી પાકનો વાવેતર વિસ્તાર કુલ 19,500 હેકટર જેટલો વધારવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આ લક્ષ્યાંકને પહોંચી વળવા બાગાયત ખાતાની નવી યોજના ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સંપૂર્ણપણે પારદર્શિતાના અભિગમ સાથે ફળ પાક ઉત્પાદકતા વધારવા માટેના આ કાર્યક્રમ અંતર્ગત મળવાપાત્ર સહાય DBTના માધ્યમથી સીધા જ ખેડૂતોના ખાતામાં ચૂકવવામાં આવશે.

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment