Rain In Gujarat:- બિપોરજોય વાવાઝોડાની અસરને પગલે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબક્યો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ ગાંધીધામમાં નોંધાયો છે.
આ પોસ્ટ પણ એકવાર વાંચો
છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ ગાંધીધામમાં નોંધાયો છે. કચ્છના ગાંધીધામમાં 24 કલાકમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ભુજમાં સવા 5 ઈંચ, મુંદ્રામાં 4 ઈંચ, ખંભાળિયામાં સવા 3 ઈંચ, અંજારમાં સવા 3 ઈંચ, જામજોધપુરમાં પોણા 3 ઈંચ, વાવમાં પોણા 3 ઈંચ, ભચાઉમાં 2.5 ઈંચ, માંડવીમાં સવા 2 ઈંચ, કલ્યાણપુરમાં સવા 2 ઈંચ, દ્વારકામાં સવા 2 ઈંચ, કાલાવડમાં 2 ઈંચ, ભાવનગરમાં 2 ઈંચ, થરાદમાં પોણા 2 ઈંચ, નખત્રાણામાં 1.5 ઈંચ, લાલપુરમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ પોર્ટ નજીક ટકરાયા બાદ જખૌ બંદરથી લગભગ 40 કિમી ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. બિપોરજોય વાવાઝોડાની હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અસર જોવા મળી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં અતિભારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. મુશળધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં છે. લોકો હેરાન પરેશાન બન્યા છે તેમજ ઘરવખરી પણ પલળી ગઈ છે. આપને જણાવી દઈએ કે, વાવાઝોડાના કારણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમા 171 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
શક્તિશાળી વાવાઝોડું મોડી રાત્રે કચ્છના જખૌ પોર્ટ નજીક ટકરાયું. બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતા જ વિનાશક દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડ્યો. ભુજ-માંડવી સહિત કચ્છના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. અતિભારે પવન ફૂંકાતા માંડવીનોના દરિયો ગાંડોતૂર બન્યો હતો. વાવાઝોડાની અસરને પરિણામે વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે.
હજુ આજે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમેરેલી, મોરબી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.